
ચાંદની પડવો સુરતનો એક અનોખો અને લોકપ્રિય તહેવાર છે, જે શરદ પૂનમના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે સુરતીઓ ખાસ કરીને બે વસ્તુઓની મિજબાની માણે છે:ઘારી અને ભૂસું. ઘારી એ માવા, ઘી અને સૂકા મેવા માંથી બનતી એક સ્વાદિષ્ટ મીઠાઈ છે, જ્યારે ભૂસું એ એક પ્રકારનું નમકીન મિશ્રણ છે. લોકો પરિવાર અને મિત્રો સાથે અગાસી પર ભેગા થઈને ચાંદનીના અજવાળામાં આ વાનગીઓ ખાઈને આનંદ કરે છે. આ તહેવાર સાથે એક પ્રખ્યાત ઇતિહાસ જોડાયેલો છે.એવું માનવામાં આવે છે કે 1857ના વિપ્લવ દરમિયાન જ્યારે તાત્યા ટોપે સુરત આવ્યા હતા, ત્યારે તેમને અને તેમના સૈનિકોને શક્તિ અને તાકાત મળે તે માટે સુરતના એક સ્થાનિક મિષ્ટાન વિક્રેતા દેવશંકર શુક્લ દ્વારા ખાસ પ્રકારની ધારી બનાવીને ખવડાવવામાં આવી હતી. આ ઘટના આસો વદ પડવો (ચાંદની પડવો) ના દિવસે બની હતી. તાત્યા ટોપેને આ ઘારી એટલી પસંદ આવી કે તેમણે પોતાના સમગ્ર લશ્કર માટે ઘારીની માંગણી કરી હતી. ત્યારથી સુરતમાં આ દિવસથી સામૂહિક રીતે ઘારી ખાવાની પ્રથા શરૂ થઈ. આ ધારીને શક્તિવર્ધક માનવામાં આવતી હતી.
